સંબંધો તારા કે કોઈના છે ના સાચા, છે સંબંધો પ્રભુના સાચાને સાચા
વૃત્તિઓ ને ભાવોમાં બંધાઈ બાંધ્યા સંબંધો, ટકશે ક્યાં સુધી, છે એ તો કાચા
વિચલિતને વિચલિત કરે તને જીવનમાં, તાંતણા પ્રેમના એવા શું કરવા
કાચાને કાચા સંબંધોને કરી યાદ, શાને દુઃખોમાંને દુઃખોમાં દિનો વિતાવ્યા
હરેક સંબંધોની યાદો આવતા, રહ્યાં હૈયાંમાં ભોંકાતાને ભોંકાતા કાંટા
વધી યાદી અપેક્ષાઓની જ્યાં સંબંધોમાં, ગયા સંબંધો તો ત્યાં ખેંચાતા
રહી રક્ત સંગે હૈયું, રંગાયું ના રક્તથી હૈયું, ભાવો રક્તથી કંઈક રંગાયા
બાંધતા, હતી જે ગરિમા સંબંધોમાં, ભરતી ને ઓટ ગરિમામા રહ્યાં આવતા
બાંધજે પ્રભુ સાથે સંબંધો એવા, ભરતી ઓટમાં સપડાય ના ગરિમા
સમજાશે હૈયેથી, છે પ્રભુના સંબંધ સાચા, આવશે એમાં સાચી ગરિમા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)