કસૂર નથી તમારો, કસૂર નથી અમારો, દીધો વિધાતાએ આટલો અણસારો
નવી માટીથી નવો દેહ બંધાયો, જીવનમાં જંગ નવો એમાં મંડાયો
રહ્યો કરતો ને કરતો કર્મો, કર્મોથી તો રહ્યો જીવનમાં બંધાતો ને બંધાતો
કંઈક કર્મો રહ્યાં બાળતાં ને બાળતાં, આવ્યો ના હાથમાં તોય એનો ધુમાડો
વિવિધ રંગ કર્મો લેતા ને લેતા રહ્યાં છે, જીવનમાં એનો તો ઉપાડો
કરી દીધાં છે બંધ વિધાતાએ, જીવનમાં તો બધાં એનાં કમાડો
પિલાતો ને પિલાતો રહ્યો માનવ કર્મની ઘંટીમાં, હેઠો ના શ્વાસ એમાં બેઠો
તરવું હતું પ્રેમની સરિતામાં જીવનમાં, વેરના કિનારે જઈને એ બેઠો
સાધવાં હતાં તો સાધનાનાં શિખરો, તળેટીમાં તો એ અટવાઈ ગયો
પ્યાસ રહી વધતી ને વધતી જીવનની, ખારા સમુદ્રમાં જ્યાં ફસાઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)