આવી હૈયે માડી જ્યાં યાદ તારી, ગઈ બની ઘડી એ રળિયામણી
પળ પળની પલકમાં છુપાવે મુખડું તારું, દર્શનની એની બલિહારી
અંધકારભર્યા હૈયામાં મારા, દીધી તારી યાદની વીજળી ચમકાવી
સૂકા એવા હૈયામાં મારા, પ્રેમની જ્યોત દીધી એમાં પ્રગટાવી
આનંદની લ્હેરો ઊઠી હૈયામાં, દીધો આનંદમાં તો એણે નવરાવી
દૃષ્ટિએ દૃષ્ટિએ તો તું દેખાણી, દીધી દૃષ્ટિ તો એણે બદલાવી
વહાવ્યાં પ્રેમનાં આંસુઓ નયનોથી, પ્રેમમાં આંખો તો ભીંજાણી
આતુરતા દીધી હૈયામાં વધારી, મિલનની આશા દીધી પ્રગટાવી
નાખી ના નજર યોગ્યતા પર મારી, ભાવમાં જ્યાં તું ભિંજાણી
યાદનાં ઉછળ્યાં મોજાં જ્યાં હૈયે, દીધો હૈયાને યાદનો દરિયો બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)