આવ્યા જગમાં શું સંદેશા લઈ આવ્યા, જાશો શું સંદેશા લઈ જવાના
સંબંધો ભુલાયા ભુલાશે, નથી આવતા કે જતા એ યાદ રહેવાના
મીઠાશ માણી લે છે સંબંધો, એની કોણ જાણે ક્યારે નવી ગિલ્લી, નવો દાવ રમવાના
પાપ ને પુણ્ય થયાં ને થવાનાં, બંધાયાં એનાં બંધનોમાં ને બંધાવાનાં
જાણતા નથી આવ્યા ક્યાંથી, પડશે ના ખબર તો ક્યાં જવાના
સુખદુઃખની રમત રમ્યા, જાતા સુધી રમત એ તો રમવાના
જોયું ને જાણ્યું બધું, ભૂલ્યા બધું, બધું અમે તો ભૂલતા રહેવાના
આવનજાવન રહ્યા કરતાં, કર્યા ના પ્રયત્નો એને અટકાવવાના
ના લાવ્યા કોઈ બદલી એમાં, શું આ વખત પણ એવું જ કરવાના
અભાવ હશે જો સાચું જાણવાનો, ના સાચું જાણી શકવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)