જીવનનાં તોફાનોમાં હચમચી ગયા જ્યાં, ઈમારતનો પાયો એનો છે કાચો
સમજમાં નાસમજ થાતા ગયા જીવનમાં, સમજણનો પાયો છે એનો કાચો
પ્રેમના ઊઠતા સૂરોમાં ભળ્યા શંકાના સૂરો, પ્રેમનો પાયો છે એનો કાચો
દુઃખદર્દમાં હલી ગયા જ્યાં જીવનમાં, સહનશીલતાનો પાયો છે એનો કાચો
અપનાવી ના શકીએ દિલથી અન્યને, ઉદારતાનો પાયો છે એનો કાચો
હૈયાના ભાવો ના સ્થિર રહ્યા જીવનમાં, ભાવોનો પાયો છે એનો કાચો
પ્રાર્થનામાં થાય રોજ માંગણીનો ઉમેરો, પ્રાર્થનાનો પાયો છે એનો કાચો
ખોલ્યા સંબંધો સ્વાર્થ ને સ્વાર્થથી, સંબંધોનો પાયો છે એનો કાચો
ઇચ્છાઓનો રહ્યા કરતો ઉમેરો ને ઉમેરો, મુક્તિનો પાયો છે એનો કાચો
વિચલિત ને વિચલિત રહ્યા થાતા સંજોગોમાં, સમતાનો પાયો છે એનો કાચો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)