શાને તેં આવું કર્યું, શાને તેં આવું કર્યું રે માડી, શાને તેં આવું કર્યું
થાવા દઈ મારા મનડાંને વિચલિત, તારા નામથી વંચિત, શાને એને તેં કર્યું
નાના અમથા મારા હૈયાંમાં, જગાવી નિરર્થક આશાઓ, નિરાશાનું દ્વાર ખોલી દીધું
મારા હૈયાંમાં વિશ્વાસનો દીપક જલાવી, શંકાનું તોફાન હૈયે શાને તેં જાગાવી દીધું
નિર્મળતાના દ્વારે ધસતાં મારા હૈયાંને, લોભ લાલચમાં શાને તેં લપેટી દીધું
સરળતાની રાહમાં ચાલવા નીકળેલા મારા હૈયાંને, કૂડકપટની ખીણમાં શાને ધકેલી દીધું
જ્ઞાનનો પ્રકાશ ઢૂંઢવા નીકળેલ મારા મનને,અજ્ઞાનમાં શાને તેં પરોવી દીધું
શાંતિને ઝંખતા મારા હૈયાંને, કામ ક્રોધની જ્વાળામાં શાને તેં સળગાવી દીધું
સદ્ગુણોના ડુંગર ચડવા હતા મારે, અવગુણોની ખીણમાં શાને ધકેલી દીધું
છૂટયા ના અહં મારા, છૂટયા ના અવગુણો મારા, શાને પ્રેમનું અમૃત ઢોળાવી દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)