નીકળ્યો છું ભૂલવા જીવનમાં તો ઘણું ઘણું રે માડી,
જોજે જાઉં ના એમાં તને ભૂલી
પૂરા પ્રેમથી બાંધવી છે તને રે માડી,
કરતી ના કોશિશ એમાંથી રે તું છટકવાની
રહ્યાં છીએ સાથે, રહેવું છે સાથે,
દેતીને દેતી ના રહેજે, જીવનમાં તું વિયોગની ઘડી
છું સદા તારો ઋણી રે માડી, બનવા દેજે મને,
તારા પ્રેમનો ને નામનો તો ધૂની
જાતને જાવી છે જીવનમાં એવી રે ભૂલી,
કરવી છે યાદ માડી, તને તો હરઘડી
બનવું છે મારે તો જ્યાં તારો,
જીવનમાં પ્રેમથી બનાવવી છે તને તો મારી
રહેવું છે મસ્તને મસ્ત તારામાં,
છોડવી નથી જીવનમાં તો આ મસ્તિ
જીવનમાં દુઃખ દર્દની દવા છે એક જ તું,
બીજી દવા જગમાં એની તો નથી
તારા વિના તો જગમાં છે અંધારું,
તારા પ્રકાશ વિના, જગમાં બીજી ચાહ નથી
ભૂલવી નથી જીવનમાં તને રે માડી,
તને ભૂલવાની ભૂલ જીવનમાં કરવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)