તારા ને તારા વિના, બીજા કોઈનું તો એ કામ નથી
રાખ્યાં કામો તો અધૂરાં, કર્યાં ના જીવનમાં એને તો પૂરાં
વિકારોના ઘોંઘાટમાં, સાંભળ્યા ના અવાજ તો આત્માના
દુઃખી ને દુઃખી રહ્યા તો જીવનમાં, હૈયેથી ના એને હડસેલ્યાં
જીવનમાં સબંધો જાળવવા કે તોડવા, હતાં તારા ને તારા હાથમાં
તણાતો રહ્યો ખોટાં ભાવોમાં, રાખી ના શક્યો એને હાથમાં
કરતો ને કરતો રહ્યો વિચારો ખોટાં, અટકાવ્યા ના એને જીવનમાં
સાચી મંઝિલ કરી ના નક્કી, ચાલ્યો ના એ રાહ પર જીવનમાં
સુખદુઃખના પ્યાલા ભર્યા છે જીવનમાં, ઊંચકવાના છે તારા હાથમાં
શું યાદ રાખવું, શું ભૂલવું, છે એ તો તારા ને તારા હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)