ઘૂઘવાતોને ઘૂઘવાતો જાય, સાગર તો મસ્તીમાં, ઘૂઘવાતોને ઘૂઘવાતો જાય
નિરંતર એની મસ્તીમાં ઘૂઘવાતો જાય, મર્યાદા ના તોયે એ તો વીસરી જાય
યુગોથી રહ્યો છે ઘૂઘવાતો એની મસ્તીમાં, અટક્યો ના એમાં એ તો જરાય
રહ્યો ધરતી પાસેથી બધું સ્વીકારતો, ના અભિમાનમાં કદી એ તો ફુલાય
તારા હૈયાંના પ્રેમના સાગરને બનાવજે તું વિશાળ, જગ સારું એમાં સમાવી લેવાય
સંસારવિષ પણ ભળે જ્યાં એમાં, અમૃત એ પણ તો બની જાય
સાગરમાં જે આવે તે સમાઈ જાય, હોય ના તૈયાર ભળવા, કિનારે ફેંકાઈ જાય
પ્રેમનો સાગર રાખજે તારો એવો, જે આવે એમાં એ તો સમાઈ જાય
ઊછળે મોજા તો એવા એના, તરે જે એમાં, થાક એનો એમાં ઊતરતો જાય
તારા પ્રેમના સાગરમાં નવરાવજે સહુને, સહુ એમાં તો પ્રફુલ્લિત બનતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)