મારા મનનો મોરલો શું બોલે, શું બોલે, હૈયું એનું કોની પાસે એ ખોલે
ચાંચ એની, શેમાં એ તો બોળે, વિકારોમાં બોળી બોળી, એમાં એ ડોલે
ખોટી ખોટી જગ્યાએ ફરવું ના એ છોડે, મોહમાયા પાછળ જરૂર એ તો દોડે
મેળવવા જગમાં, કાંઈ ના એ તો જુએ, મેળવવા એ તો દોડે ને દોડે
ચાહે ના એ તો, કોઈ એને છોડે કે તરછોડે, છોડી બધું એની પાછળ દોડે
ખોટી વાતો ને ખોટી વાતોમાં એ દોડે, ભલે થાકે એમાં, તોય એ તો દોડે
રંગબેરંગી રંગોમાં, જાતને એ રંગે ને રંગે, એના એ રંગમાં ખૂબ એ તો ડોલે
રહે ના સ્થિર એ એક જગ્યાએ, એક પકડે બીજું છોડે, એ તો છોડે ને છોડે
નિત્ય રહે એ ફરતો ને ફરતો, ના એ તો થાકે, એ તો દોડે ને દોડે
ગમ્યું સ્થાન જ્યાં એને, ટહુકીને ત્યાં, ખાઈ થોડો પોરો સ્થાન એ છોડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)