બંદગી કાજે ફેલાયેલા આ હાથને, માંગી માંગી મેલા તો કરવા નથી
દાતાએ દીધું છે જીવનમાં ઘણું ઘણું, માંગી માંગી એને શરમાવી દેવા નથી
કરવા નીકળી છે નજર દીદારના દર્શન કરવા, અન્યના દર્શન કરવા નથી
કરી દર્શન અન્યના, દીદારના દર્શનની આશને હૈયેથી હડસેલી દેવી નથી
પીવા છે પ્યાલા, શૂરવીરતાના તો જ્યાં, રણાંગણમાંથી પીછેહઠ કરવી નથી
કરી પીછેહઠ તો રણાંગણમાંથી, શૂરવીરતાને કલંકિત તો કરવી નથી
સમજદારીના સ્વાંગમાં, જીવનમાં તો બેસજદારીને જીવનમાં પોષવી નથી
કરવું છે જીવનમાં તો જે, કરીને તો એ, સમજદારી વિના તો વર્તવું નથી
કિસ્મતે માર્યા ઘા જીવનમાં તેં તો ઘણા, તારા ઘાના અમે હવે, અપરિચિત નથી
મળી ગઈ છે દવા, ઘા તારા રૂઝવવાની, તારા ઘાને રૂઝવ્યા વિના રહેવાના નથી
નથી નથી, ભલે અમારી પાસે કંઈ નથી, છે સમજ આટલી, બીજી સમજની જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)